Fri May 15 2026

Logo

ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુમલો, વિદેશ મંત્રાલયે ઘટનાને સખત શબ્દોમાં વખોડી

Muscat   1 day ago
Author: mumbai samachar team
Article Image

મસ્કતઃ ઓમાનના દરિયા કિનારે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર અચાનક હુમલો થયાના વાવડ છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, જે થયું કે એ ખોટું થયું. ઓમાનના દરિયાકિનારે 13 મેના રોજ ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર હુમલો થતા મિડલ ઈસ્ટમાં માહોલ ફરી બગડ્યો છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોઈપણ ભારતીય જહાજ પર હુમલો સ્વીકાર્ય નથી. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. મિડલ ઈસ્ટમાં કમર્શિયલ જહાજ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

આ હુમલો કોઈકાળે સ્વીકાર્ય નથી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ઓમાનના દરિયાકિનારાના વિસ્તારમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર હુમલો કોઈકાળે સ્વીકાર્ય નથી. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે એ જહાજના તમામ નાવિક સુરક્ષિત છે. ઓમાનના કેટલાક અધિકારીઓએ એમને બચાવવા માટેના ઘણા પ્રયાસ કર્યા હતા. આ બચાવકાર્ય બદલ અમે ઓમાનનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારતે અગાઉ પણ સ્પષ્ટ કહ્યું હતું કે, જહાજને ટાર્ગેટ કરવા, નિર્દોષ નાગરિકો પર હુમલા કરવા, નાવિકો તથા ક્રૂ સ્ટાફને પરેશાનીમાં મૂકવા અથવા કોઈ કર્મશિયલ જહાજ સામે વિધ્ન ઊભું કરવું આવી પ્રવૃતિઓને કાયમી ધોરણે ટાળવી જોઈએ.

એકાએક આગ લાગી
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું માલવાહક જહાજ હાજીઅલી 13 મેના રોજ ડૂબી ગયું હતું. આ જહાજ ઓમાનના સમુદ્રી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે ડ્રોનથી અથવા મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કારણે જહાજને નુકસાન થયું હતું. આ ઘટના બાદ જહાજમાં એકાએક આગ લાગી ગઈ હતી.ઓમાનના કોસ્ટગાર્ડે તમામ 14 ક્રૂ સ્ટાફને સુરક્ષિત એમાંથી બાહર કાઢ્યા હતા. આ જહાજ બેરબેરા પોર્ટથી શારજહાં પોર્ટ તરફ જઈ રહ્યું હતું એ સમયે આ હુમલો થયો હતો. આશરે 3.30 વાગ્યે ઓમાનના સમુદ્રી વિસ્તારમાં આ ઘટના બની હતી. કોઈ મોટો વિસ્ફોટ થયો હોય એવો પ્રચંડ અવાજ આવ્યો હતો.

ઓમાન કોસ્ટગાર્ડે મદદ કરી
14 ક્રૂ સ્ટાફે યુદ્ધના ધોરણે લાઈફજેકેટ પહેરીને જહાજ છોડી દીધું હતું. ઓમાનના કોસ્ટગાર્ડના જવાનોએ પણ ભારતીય નાવિકોની મદદ કરી હતી. મિડલ ઈસ્ટમાં ફરી એકવાર માહોલ બગડી રહ્યો છે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ખટરાગને કારણે અન્ય દેશના જહાજનો ભોગ લેવાઈ રહ્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે આ તણાવગ્રસ્ત માહોલ વચ્ચે ચીન સાથે મુલાકાત કરી હતી. ચીન સાથેની મુલાકાતમાં આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે.