Fri May 15 2026

Logo

48 કલાક બાદ શરૂ થશે અધિક માસ, જાણો કેમ દર ત્રણ વર્ષે જ પંચાંગમાં ઉમેરાય છે એક વધારાનો મહિનો? મોટાભાગના લોકોને નથી ખબર કારણ...

2 hours ago
Author: Darshana Visaria
Article Image

Gemini Ai Generated Image


હિન્દુ પંચાંગ એ માત્ર તિથિઓ કે તારીખનો સંગ્રહ જ નથી, પરંતુ તે ભારતીય ખગોળ વિજ્ઞાન એટલે કે એસ્ટ્રોનોમીની એક અદભૂત દેણ છે. 17મી મે, 2026થી શરૂ થનારો અધિક માસ કે જેને આપણે અધિક જ્યેષ્ઠ તરીકે પણ ઓળખીએ છીએ એ જ વિજ્ઞાનનો પુરાવો છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ વચ્ચે અંતર વધે છે, ત્યારે પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવા માટે આ 'વધારાનો મહિનો' ઉમેરવામાં આવે છે.

અધિક માસ પાછળનું ખગોળ વિજ્ઞાન

આપણી કાળગણના મુખ્યત્વે બે ચક્ર પર આધારિત છે જેમાંથી એક એટલે ચંદ્ર વર્ષ અને બીજું એટલે સૂર્ય વર્ષ. વાત કરીએ ચંદ્ર વર્ષની તો એક અમાસથી બીજી અમાસ (અંદાજે 29.5 દિવસ) મળીને 12 મહિનાનું ચંદ્ર વર્ષ 354 દિવસનું બને છે. જ્યારે સૂર્ય વર્ષમાં પૃથ્વીને સૂર્યનો ચક્કર પૂરો કરતાં અંદાજે 365 દિવસ લાગે છે.

ગણિત: દર વર્ષે સૂર્ય અને ચંદ્ર વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. જો આ સુધારો ન કરવામાં આવે, તો દર 3 વર્ષે તહેવારો 1 મહિનો પાછળ ખસી જાય. આ સંતુલન જાળવવા માટે દર 32.5 મહિને એક વધારાનો મહિનો જોડવામાં આવે છે, જેને આપણે 'અધિક માસ' કહીએ છીએ.

સંક્રાંતિ અને અધિક માસનું જોડાણ

જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને 'સંક્રાંતિ' કહેવાય છે. 
નિયમ: જે ચંદ્ર માસમાં સૂર્યની કોઈ પણ સંક્રાંતિ (રાશિ પરિવર્તન) થતી નથી, તે મહિનાને 'અધિક માસ' ગણવામાં આવે છે.
વર્ષ 2026: આ વર્ષે જ્યેષ્ઠ માસ દરમિયાન સૂર્ય કોઈ નવી રાશિમાં પ્રવેશ કરશે નહીં, તેથી તેને 'અધિક જ્યેષ્ઠ' તરીકે ઉજવવામાં આવશે.

પુરુષોત્તમ માસનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રો અનુસાર, જ્યારે દરેક મહિનાના કોઈ ને કોઈ સ્વામી દેવતા હતા, ત્યારે અધિક માસનો કોઈ સ્વામી નહોતો. ત્યારે ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું નામ આપ્યું, તેથી તેને 'પુરુષોત્તમ માસ' કહેવામાં આવે છે. આ મહિનામાં ભક્તિ, તપ, દાન અને નામસ્મરણનું અનંત ગણું ફળ મળે છે. લગ્ન કે જનોઈ જેવા માંગલિક કાર્યો વર્જ્ય હોય છે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ માટે આ શ્રેષ્ઠ સમય છે.