Fri May 15 2026

Logo

મોર્નિંગ મ્યૂસિંગ: રઘુ રાય: ‘ક્લિક’ના કીમિયાગર

1 week ago
Author: Raj Goswami
Article Image

એક એવા અવ્વલ તસવીરકાર, જેમણે ગ્રામીણથી લઈને આધુનિક ભારતના અનેક રંગને કેમેરાના કેનવાસ પર સજીવ કર્યા

- રાજ ગોસ્વામી

*રઘુ રાય

*‘વિઝ્યુઅલ વાર્તાકાર’ રઘુ રાયના વ્યૂફાઈન્ડરની અનંત સફર

*કહ્યાગરા કાર્યકર્તા

*ઈન્દિરાજી: ‘મિસ્ટર લેડી બૉસ’

*રૂપેરી પરદાના મહારથી:પ્રકાશ મેહરા- અમિતાભ બચ્ચન - મનમોહન દેસાઈ
 

ભારતને સમજવાના અનેક રસ્તા છે : ઈતિહાસનાં પુસ્તકો છે, સાહિત્ય છે, લોકકથાઓ છે અથવા પુરાણો છે, પણ એક રસ્તો એવો પણ છે, જેમાં એક પણ શબ્દ વાંચ્યા વગર પણ તમે આ દેશની ધડકન, તેની બેચેની, તેનું સૌન્દર્ય અને તેનો સંઘર્ષ મહેસૂસ કરી શકો છો. એ રસ્તો છે તસવીરોનો. અને એ રસ્તા પર આપણને સૌથી વધુ ગહેરાઈથી ચાલતાં શીખવ્યું હોય તો તે હતા રઘુ રાય. ‘હતા’ એટલા માટે કે ગયા રવિવારે (26 એપ્રિલ ) તે 84 વર્ષની વયે અલવિદા ફરમાવી ગયા.

તેમની પાછળ અડધી સદીની સમૃદ્ધ કારકિર્દી મૂકીને તે ગયા છે.

રઘુ રાયને કેવળ ‘પ્રસિદ્ધ ફોટોગ્રાફર’ કહી તેવું તેમના કામ સાથે થોડી નાઇન્સાફી હશે. ફોટોગ્રાફર તો આ દેશમાં ઘણા થયા છે, અને બહુ ઉત્તમ પણ, પરંતુ રઘુ રાય એક એવા વિઝ્યુઅલ વાર્તાકાર હતા, જેમણે કેમેરાનો ઇસ્તેમાલ કલમ તરીકે કર્યો હતો- તેમણે શબ્દો વગર ભારતની સૌથી જટિલ, સૌથી માર્મિક, સૌથી વિચલિત કરે તેવી અને સૌથી સાચી વાર્તાઓ લખી હતી.

ચાહે ભોપાલ ગેસકાંડ હોય, ઇન્દિરા ગાંધીની હત્યા હોય, મધર ટેરેસાની સેવાપ્રવૃત્તિ હોય, બાંગ્લાદેશ જંગના જખમી સૈનિકો હોય, મણિકર્ણિકા ઘાટ પર અંતિમસંસ્કાર હોય કે પછી બાળ ઠાકરે અને બોલિવૂડનું શહેર મુંબઈ હોય... તેમની તસવીરો એક નજર નાખવાની ચીજ નહોતી- તે ધીરે-ધીરે આપણી ચેતનામાં ઉતરતી હતી, જાણે કોઈ જૂની યાદ અથવા કોઈ અધૂરો સવાલ હોય.

1960ના દશકમાં ભારત જ્યારે સ્વતંત્રતા પછી પોતાની ઓળખ વિકસિત કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન પંજાબના ઝાંગમાં મોટા થયેલા રઘુ રાયે કેમેરા ઉઠાવ્યો હતો. તેમના મોટાભાઈ શરમપાલ ચૌધરી દિલ્હીમાં ફોટોગ્રાફર હતા.

સંયોગથી તેમનો એક સાથી ગામડે જતો હતો. રઘુએ જીદ કરી કે તેને સાથે જવા દે. તેમણે ભાઈની મંજૂરીની સાથે ભાઈનો કેમેરા પણ લીધો- એવી આશામાં કે ગામડે ફોટા પાડીશ.

એમાંથી એક તસવીર ભાઈએ ડેવલપ કરી, જે અંતત: ‘લંડન ટાઈમ્સ’ સમાચારપત્રમાં છપાઈ. અને એ તસવીર એક ‘બેબી ડોન્કી’ની હતી. રઘુ રાયે મસ્તીમાં ગધેડાના બચ્ચાને ભગાવ્યું હતું. એ થાકીને ઊભું રહી ગયું તો વ્હાલું લાગતું હતું. તેમણે તેનો એ ફોટો પાડી લીધો. ભાઈને અને લંડનવાળાઓને એ ફોટો અસાધારણ લાગ્યો. રઘુ રાયને તો અંદાજ પણ નહોતો કે એમાં શું ખાસ છે.

અને આ રીતે તેમણે પ્રારંભિક તાલીમ લીધા પછી, કલકત્તાના ‘ધ સ્ટેટ્સમેન’ સમાચારપત્રમાં નોકરી શરૂ કરી હતી. તેને યાદ કરીને રઘુ રાયે એકવાર કહ્યું હતું, ‘તમે સંયોગ કહો, નસીબ કે બીજું કંઈ, મારા ભાઈ ફોટોગ્રાફર ના હોત, મારી પહેલી તસવીર ‘લંડન ટાઈમ્સ’માં છપાઈ ના હોત, તો કદાચ હું ફોટોગ્રાફર ના બન્યો હોત. તો શું બન્યા હોત? ‘તો હું માળી હોત. મને બાગકામ બહુ ગમે છે. આજે પણ શનિ-રવિ હું મારા ફાર્મહાઉસ પર કામ કરું છું.’

આ એ સમય હતો, જ્યારે દેશ એક સાથે અનેક દિશાઓમાં બદલાઈ રહ્યો હતો : રાજકીય ઊથલપાથલ હતી, શહેરો ફેલાઈ રહ્યાં હતાં, ગામડાનો સંઘર્ષ વધી રહ્યો હતો અને સામાન્ય માણસો નાના-નાના વિજય ને નાના-નાના પરાજયમાં વ્યસ્ત હતા. રઘુ રાયે કેવળ એક રિપોર્ટરની જેમ જ નહીં, એક બેહદ સંવેદનશીલ સાક્ષીની જેમ આ બધું જોયું હતું. તેમના વ્યૂફાઈન્ડરમાં સનસનાટી નહોતી, બલ્કે એક શાંત અને ઊંડી જિજ્ઞાસા હતી કે આખરે આ દેશ તેની ભીતરમાં શું લઈને આગેકૂચ કરી રહ્યો છે.

તેમની તસ્વીરોની ખાસ વાત એ હતી કે તે બધી કોઈ ‘ઘટના’ને નહીં, ‘ક્ષણ’ને પકડતી હતી. દેશના અનેક ફોટોગ્રાફરો માટે આ જ સૌથી મોટી પ્રેરણા હતી. શહેરનું ભીડભાડવાળું બજાર હોય કે ગામડાનો ધૂળિયો રસ્તો, રઘુ રાય એમાંથી એવી એક ક્ષણ શોધી લેતા, જેમાં સમગ્ર દૃશ્ય તેની સાર્થકતા સાથે ખુલતું હોય. આ જ એક કળા હતી, જેને વિશ્વપ્રસિદ્ધ ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર-બ્રેશોને ‘નિર્ણાયક ક્ષણ’ કહી હતી. રઘુ રાયે ભારતના સંદર્ભમાં તેને એક નવી ગહેરાઈ આપી હતી- તેમની આવી ક્ષણો કેવળ સૌન્દર્યની જ નહીં, પણ સંવેદના અને અર્થની પણ હતી.

રઘુ રાયની તસવીરોમાં ભારતના અનેક ચહેરા એક સાથ દેખાય છે. એક તરફ સત્તાની ગલીઓની ઠંડક અને ઔપચારિકતા છે, તો એમાં જ ઇન્દિરા ગાંધી જેવી શખ્સિયતોને બેહદ માનવીય, લગભગ નીજી કહી શકાય તેવી ક્ષણોમાં કેદ કરી છે. બીજી તરફ, સાધારણ લોકોની દુનિયા પણ છે- એમાં એક થાકેલો મજદૂર, રમતાં બાળકો કે મંદિરનાં પગથિયાં પર બેઠેલી બુઝુર્ગ મહિલા સૌ પોતપોતાની વાર્તાઓ ‘કહે’ છે. રઘુ રાયનો વ્યૂફાઈન્ડર આ બે દુનિયા વચ્ચે ભેદ નથી કરતો- તેમના માટે દરેક ચહેરો અને દરેક દૃશ્ય મહત્ત્વનું છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘મારો ઉછેર એવા સમાજમાં થયો છે, જ્યાં સામાન્ય માણસોની કદર કરવાનું શીખવાડવામાં આવે છે. સામાન્ય લોકોની લાગણીઓ સાથે આપણો રોજ પનારો પડે છે. તમે માનો કે ન માનો, આ લોકોની સ્થિતિ આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ એવી ને એવી જ છે. મને એવા લોકો આકર્ષિત કરે છે. હું ઘણીવાર કોશિશ કરું છું કે મારી તસવીરો મારફતે સત્તામાં બેઠેલા લોકોનું ધ્યાન સામાન્ય લોકોની સમસ્યાઓ પર જાય. એ વાત સાચી છે કે મને સામાન્ય લોકોની તસવીરો ઉતારીને વધુ શાંતિ મળે છે.’

સામાન્ય માણસો પ્રત્યેની તેમની આ સંવેદનાના કારણે જ રઘુ રાય ભોપાલ ગેસકાંડની પીડા અને વિનાશને દુનિયા સમક્ષ લાવી શક્યા હતા. એ ઘટના પછી તેમણે જે તસવીરો ખેંચી હતી, તે માત્ર એક ટ્રેજેડીનો દસ્તાવેજ જ નહોતો-તે સાધારણ લોકોની પીડાની નિ:શબ્દ ચીસ હતી, જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ હતી. તેમની એક તસવીરમાં જમીનમાંથી બહાર આવેલા મૃત બાળકનું મોઢું છે. તેની આંખો ફાટેલી છે અને હોઠ ખુલ્લા છે- જાણે તે આખી દુનિયાને પ્રશ્ન કરી રહ્યું હોય. આ એક ફ્રેમ માત્ર નથી, પરંતુ એક નૈતિક પડકાર છે. રઘુ રાય અહીં તસવીર જોનારા દર્શકને નિષ્ક્રિય નથી રહેવા દેતા- તેને એ આ ટ્રેજેડીમાં સહભાગી બનાવી દે છે.

રઘુ રાયનું જવું એક કલાકારનું જવું નથી- એ એક નજરનું જવું છે, જેણે આપણને આપણા જ દેશને નવી રીત જોવાની ક્ષમતા આપી હતી. આજે જે સમયમાં ફટાફટ તસવીરો ખેંચીને ભુલાવી દેવામાં આવે છે   અથવા મોબાઈલ સ્ક્રીન પર સ્ક્રોલ થઇ જાય છે ત્યારે રઘુ રાય આપણને યાદ અપાવે છે કે એક તસવીરનો અસલી અર્થ શું હોય છે. એ કેવળ ઈમેજ નથી, બલ્કે એક અનુભવ છે, એક સવાલ છે અને ક્યારેક-ક્યારેક ગવાહ પણ છે.

આજે જ્યારે આપણે તેમની તસવીરો જોઈએ છીએ ત્યારે તે કેવળ અતીતમાં જ નથી લઇ જતી-  તે આપણને વર્તમાન માટે વધુ સજાગ બનાવે છે. તે પૂછે છે : શું આપણે સાચે જ જોઈ શકીએ છીએ, કે જોવાનો ભ્રમ પાળીએ છીએ? રઘુ રાયનું સર્જન આપણને આ ભ્રમમાંથી બહાર કાઢે છે, અને આપણને અટકાવીને આપણી દુનિયાને જોવા/સમજવા માટે મજબૂર કરે છે.

રઘુ રાયની આ જ સૌથી મોટી વિરાસત છે. તેમણે આપણને કેવળ કેમેરા ચલાવતાં જ નથી શીખવાડ્યું, તેમણે આપણને નજર આપી. જ્યારે કોઈ કલાકાર તમને નજર આપે છે, ત્યારે તે ક્યારેય જતો નથી- તે તમારી જોવાની દરેક ક્રિયામાં, દરેક અનુભવમાં, ક્યાંકને ક્યાંક જીવતો હોય છે. એ અર્થમાં, રઘુ રાય ‘જીવી’ ગયા છે.