- ભરત વૈષ્ણવ
‘મે આઇ કમ ઇન, સર.?’ દરવાજે નોક કરીને કંકાલે પૂછયું. દરવાજ પર વૈંકટેશ ઐય્યર, ચીફ મેનેજર નામ સાથે બેંકનો લોગો પણ હતો. ઝભ્ભો-લેંઘો પહેરેલ વયસ્ક વ્યક્તિએ પ્રવેશ કર્યો. એના ખભે થેલો ઝુલતો હતો... વાળ કાબરચીતરા. બેસી ગયેલું ડાચું ...
‘પ્લીઝ, કમ ઇન...’ ઐય્યરે પ્રોફેશનલ ઢબે પેલી વ્યક્તિને આવકાર આપ્યો.
‘ધન્યવાદ મહોદય. મારું નામ કંકાલ છે.’
‘તમારું નામ યુનિક છે.’ ઐય્યરે કહ્યું.
‘એ મારું પેટનેમ એટલે કે તખલ્લુસ નથી.’ કંકાલે સ્પષ્ટતા કરી :
‘કંકાલ મારી ઇનિશિયલ છે... મારું પૂરું નામ છે : કંચનરાય કાળીદાસ લખતરિયા !’
‘બોલો, હું તમારી શું સેવા કરું.?’ ઐય્યરે અદબથી પૃચ્છા કરી.
‘હું નવોદિત કવિ છું.’ કંકાલે માહિતી આપી.
‘એના સિવાય શું કરો છો?’ ઐય્યરને ભેજાગેપમાં રસ પડ્યો.
‘લેખન જ મારો ફૂલફલેજડ પ્રોફેશન છે.’ કંકાલે તેની કેફિયતને સાહિત્યિક ટચ આપ્યો.
‘લુક મિસ્ટર, અમારી બેંક પુસ્તક પ્રગટ કરવા કોઇ મદદ કરતી નથી.’ ઐય્યરે બેંકરની સ્ટાઇલ અપનાવી.
‘મારી પુસ્તક પ્રગટ કરવાની મહેચ્છા નથી.’ કંકાલે નનૈયો ભણ્યો .
‘તો મિસ્ટર કંકાલ ,આપ અહીંયા સુધી કેમ લાંબા થયા?’
‘તમારી બેંકમાં લોકર છે?’ કંકાલે આતુરતાથી પૂછયું.
‘હા, અમે તમામ ખાતાધારકોને લોકર આપીએ છીએ.’
‘મારે લોકર જોઇએ છે?’ કંકાલે કહ્યું.
‘આ બેંકમાં તમારું સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટ છે?
‘હા.’
‘એકાઉન્ટમાં કેટલી સિલક છે?’ ઐય્યરનો બીજો સવાલ, ‘રૂપિયા ત્રણસો પંચ્યાશી અને નેવ્યાશી પૈસા પૂરા.’ કંકાલે ટટાર થઇ જવાબ આપ્યો.
‘બેંક લોકરનું ભાડું કેટલું હોય તેનો કાંઇ અંદાજ છે, લેખક મહાશય?’
‘કેટલું ભાડું?’ કાબરચિતરા કોરા વાળ પર હાથ ફેરવતાં કંકાલે માસૂમિયતથી પૂછયું.
‘તમારા બેંક ખાતાની જે જમા સિલક છે તેના હજાર ગણું લોકરનું એક વરસનું ભાડું હોય છે.’
‘મતલબ ત્રીસ હજાર રૂપિયા લોકરનું ભાડું?’ કંકાલ હકકોબકકો રહી ગયો.
‘લોકર લેવા માટે બે લાખ રૂપિયાની ફિકસ ડિપોઝિટ પણ કરાવવી પડશે.’ ઐય્યરે રૂલ્સ જણાવ્યા.
‘તમારે ત્યાં કઇ સાઇઝના લોકર છે?’ કંકાલે પૂછયું.
‘તમારે કઇ સાઇઝનું લોકર જોઇએ છે?’
‘મીની ફ્રીઝની સાઇઝનું લોકર મળી શકશે?’
‘તમારો માલસામાન કેટલો છે?’ ઐય્યર પણ ગૂંચવાઈ ગયો. ફ્રીઝની સાઇઝનું લોકર તો અદાણી કે અંબાણી પણ નહીં વાપરતા હોય.
‘વીસ પચ્ચીસ કિલો સામાન હશે.’ ખભા ઉછાળીને કંકાલે કહ્યું’
‘એટલે બધુ ગોલ્ડ કે સિલ્વર કે ઘરેણાં તમારી પાસે છે? ઐય્યરને પ્રમોશન મેળવવા માટે આ ઉતમ ડિલ લાગી. આ ડિલ ફાઇનલ થઇ જાય તો લોર્ડ ઐયપ્પાને કરાડીના તેલના પાંચ દીવા કરવા અને એકત્રીસ રૂપિયાનો મહાપ્રસાદ ચડાવવાની માનતા માની.
‘એના કરતાં પણ કિંમતી માલસામાન છે.’ કંકાલે આંખ મિચકારીને કહ્યું .
‘તો તો હું ગમે તેમ કરીને એક મોટું નહીં તો બેચાર મિડિયમ સાઇઝના લોકરનો બંદોબસ્ત કરી આપીશ.’ ઐય્યરે અહોભાવથી કહ્યું.
‘સાહેબ, મેં હમણા મારા અછાંદસ કાવ્ય ભડીંગભડીંગનું પ્રકાશન કરાવેલ છે. કદાચ આ વરસે મને સાહિત્ય એકેડમીનું પ્રાઇઝ મળવાની શક્યતા છે.’ કંકાલ પહેલીવાર થોડું લાંબું બોલ્યો.
‘હઅમમ’ ઐય્યરે પ્રતિભાવ આપ્યો. લોકર અને પુસ્તકને શું લેવાદેવા? કોઇ સ્નાનસૂતકનો સંબંધ હોઇ શકે ખરો?
‘આ તેની નકલ છે. કેવું સરસ ફિનિશિંગ છે. પુસ્તકનું કવર લાજવાબ છે. ફર્સ્ટ પેઇજનો લુક કાતિલ કોલેજ ક્ધયા જેવો છે.’ કંકાલે પુસ્તકની પારાયણ શરૂ કરી.
‘એ મારો વિષય નથી.’
‘સાહેબ મારી ઘરવાળી કડક છે. તેને મારી કવિતા લખવાની પ્રવૃત્તિ પસંદ નથી. તે મને ચિપ કવિ માને છે. માળિયામાં કબાડ વચ્ચે હું મારી કવિતા મુકું તો તેને ધૂળ, ભેજ લાગી જાય. ઉંદરડા તેનું વિવેચન કરે. ઉધઇ તેનો રસાસ્વાદ એટલે કે જીભાસ્વાદ લે. તો મને એટેક આવી જાય.’ કંકાલે લવારી કરી.
‘આમાં હું તમારી શું મદદ કરી શકું?’ .
‘સાહેબ, સાહિત્યની ધરોહર અને ભવિષ્યની કુબેરરાશિને સાચવવી જરૂરી છે. નહીં તો ઇતિહાસ આપણને માફ નહીં કરે.’
‘ભાઇ, કંઇ સમજાય એવી ભાષામાં કોમ્યુનિકેશન કરો. મને બધુ બાઉન્સરની જેમ ઉપરથી જાય છે.’
‘ટુંકુને ટચ એ કહેવાનું કે મારા નવવિમોચિત પુસ્તકના સંરક્ષણ, સંગોપન અને અભિરક્ષા અર્થે મતલબ કે મારા પુસ્તકને સલામત રાખવા મારે લોકરની બહુ જ જરૂરત છે.’ કંકાલે ફાઇનલ રિકવેસ્ટ કરી.
એ સાંભળીને ઐય્યર મૂર્છિત થઈ ગયા!