Mon May 25 2026

Logo

ટૂંકું ને ટચઃ અમિતાભ બચ્ચનની રહસ્યમય ટ્વીટ પર ભડક્યા યુઝર્સ

2 months ago
Author: Mumbai Samachar Team
Article Image

નિધિ ભટ્ટ

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પરની અજીબોગરીબ પોસ્ટ માટે પણ જાણીતા છે. જોકે, હાલમાં જ તેમણે કરેલી એક ટૂંકી ટ્વિટને કારણે નેટિઝન્સનો પિત્તો ગયો છે. 

83 વર્ષીય બિગ બી અવારનવાર ‘નંબર ગેમ’ અને કોયડા જેવી વાતો લખતા હોય છે, પરંતુ આ વખતે યુઝર્સની ધીરજ ખૂટી હોવાની વાત કહી અભિનેતાને આડે હાથ લીધા હતા. સોશ્યલ મીડિયા પર લોકો આ ટ્વિટને વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ સાથે જોડીને અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે.

અમિતાભ બચ્ચને પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર માત્ર એટલું લખ્યું કે- ‘T 5672- હો ગયા.’ આ જોઈને લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. કેટલાક લોકોએ આ પોસ્ટને અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા સાથે જોડી દીધી હતી, તો કેટલાકે તેમની આ શૈલીનું નાટક ગણાવ્યું હતું.

એક યુઝરે ગુસ્સામાં લખ્યું હતું કે ‘હા, યુદ્ધ થઈ ગયું, હવે તમે ચૂપ રહો.’ તો અન્ય એકે સલાહ આપી કે ‘સર, તમે આટલા મોટા કલાકાર છો, થોડું સેન્સિબલ ટ્વીટ કરો, નંબર ગેમ છોડી તમારા વિચાર સાંભળવા માગીએ છીએ, આવું નાટક નહીં કરો.’

બિગ બીની આ પ્રકારની ટ્વીટ્સથી પરેશાન થયેલા યુઝર્સે તેમને પબ્લિક ફિગર તરીકેની જવાબદારી યાદ અપાવી હતી. લોકોનું કહેવું છે કે દુનિયા તેમને સાંભળવા માગે છે, તેમના વિચારો જાણવા માગે છે, નહીં કે આવા રહસ્યમય નંબરો. હદ તો ત્યારે થઈ જ્યારે એક યુઝરે અભિષેક બચ્ચનને ટેગ કરીને સલાહ આપી દીધી કે તેણે પોતાના પિતાને કોઈ સારા ડૉક્ટરને બતાવવા જોઈએ. યુઝર્સનો ગુસ્સો એ વાત પર વધુ છે કે અમિતાભ ક્યારેય યુવાનોને પ્રેરણા આપે તેવા સ્પષ્ટ વિચારો રજૂ કરતા નથી.

અમિતાભ બચ્ચન હાલમાં પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી 2898 AD’ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ અને કમલ હાસન જેવા દિગ્ગજ કલાકારો છે. રસપ્રદ વાત એ છે કે, આ સિક્વલમાં સાઈ પલ્લવીએ દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી હોવાની ચર્ચા છે.

તાજેતરમાં જ તેમણે ‘કૌન બનેગા કરોડપતિ 18’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. 2023 પછી ફેન્સ તેમને મોટા પડદે જોવા માટે આતુર છે, પરંતુ હાલમાં તો તેઓ ફિલ્મો કરતા પોતાની ટ્વીટસને કારણે વધુ ચર્ચામાં છે.