ઉમેશ ત્રિવેદી
ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ધરની ‘ધુરંધર-ટુ’ આજે (શુક્રવારે) રિલીઝ થઈ છે. આ પહેલાં થોડા મહિના અગાઉ ગત ડિસેમ્બરમાં એની ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના અનેક રેકોર્ડ સર્જ્યા છે અને ‘ધુરંધર-ટુ’ તો એ બધા રેકોર્ડ તોડીને આગળ વધશે એવી શક્યતા છે, ત્યારે આદિત્ય ધર વિશે એક એવી વાત જાણવા મળી છે કે યુવા વયે એ તો ક્રિકેટર બનવા માગતો હતો! ભારતની ‘અંડર-19’ ટીમમાં તેને તક ન મળી એટલે નિરાશ થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડી દીધું. સારું થયું, નહીંતર આપણા દર્શકોને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ’ધુરંધર ’ જોવાં ન મળત...
આદિત્ય ‘અંડર-19’ ટીમમાં સ્થાન મેળવે એવી શક્યતા હતી.ત્યાં એને સગાવાદ અને રાજકારણ નો કડવો અનુભવ થયો અને તેને ટીમમાં સ્થાન ન મળ્યું. ઘરે નિરાશ થઈને બેઠેલા આદિત્યે ત્યારે ‘ગર્દિશ’ ફિલ્મ જોઈ. જેકી શ્રોફ-અમરીશ પુરી અભિનિત આ ફિલ્મ જોઈને આદિત્યે ત્યારે વિચાર કર્યો કે મારે ફિલ્મ દુનિયામાં આગળ વધવું જોઈએ. આવા વિચાર સાથે એ દિલ્હીથી મુંબઈ આવી ગયો, પણ, બોલિવૂડમાં એમ જલદીથી તક મળવી એટલી જ મુશ્કેલ હોય છે. જોકે હિન્દી ભાષા પર કાબૂ હોવાને કારણે આદિત્યને ફિલ્મોમાં ડાયલોગ (સંવાદ) લખવાની તક મળી, તેનું મહેનતાણું મળ્યું, પણ સંવાદલેખક તરીકે ‘ક્રેડિટ’ ન મળી.
એ વખતે જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શન સાથે મુલાકાત થઈ અને તેમની સાથે સહાયક દિગ્દર્શક તરીકે તે કામ કરવા લાગ્યો.. પ્રિયદર્શન સાથે ત્રણ વર્ષ સુધી તેણે કામ કર્યું. આ દરમિયાન ફિલ્મ સર્જનની બારીકીઓ જાણવા મળી. પ્રિયદર્શનને તેનામાં ‘સ્પાર્ક’ દેખાયો હતો અને તે આદિત્ય ધરે 2019માં આવેલી તેના દિગ્દર્શન હેઠળની પહેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં સાબિત કરી બતાવ્યું.
આ પહેલી ફિલ્મે જ આદિત્ય ધરને બોલિવૂડમાં કાબેલ દિગ્દર્શક સાબિત કરી દીધો.... આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.
12 માર્ચ 1983ના નવી દિલ્હીમાં રહેનારા કાશ્મીરી પંડિતના ત્યાં તેનો જન્મ થયો છે. માતા સુનીતા ધર એ દિલ્હી યુનિવર્સિટીમાં ડીન તરીકે રહ્યાં હતાં. આદિત્ય એ જ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયો છે. આદિત્ય ધરના મોટા ભાઈ લોકેશ યુટીવી મોશન પિક્સર્ચ અને ત્યાર પછી ફોક્સ સ્ટાર સ્ટુડિયોમાં કામ કરતા હતા. આદિત્ય ધરે ભાઈ લોકેશ સાથે મળીને પોતાની નિર્માણ સંસ્થા બી62 સ્ટુડિયો શરૂ કરી છે.
આદિત્ય ધર ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને ગીતકાર પણ છે. એની હજી માત્ર બે જ ફિલ્મ રિલીઝ થઈ છે અને ત્રીજી ફિલ્મ ‘ધુરધંર-ટુ’ આજે રિલીઝ થઈ રહી છે, પણ આ બે જ ફિલ્મથી આદિત્ય ધરે બોલિવૂડના દિગ્દર્શકોમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે.
2021ની ચોથી જૂને આદિત્યે બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા છે. 2019માં આવેલી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના શૂટિંગ દરમિયાન જ આદિત્ય ધર અને યામી ગૌતમનો પ્રેમ પાંગર્યો હતો અને ફિલ્મ રિલીઝ થયાં પછી બે વર્ષે તેમણે લગ્ન કરી લીધા હતા.
‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પછી વિકી કૌશલ સાથે જ ‘ઈમમોર્ટલ અશ્ર્વત્થામા નામની ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવાની યોજના ઘડાઈ હતી, પણ કોરોના કાળને કારણે એ ફિલ્મની યોજના પડતી મૂકવી પડી. આ દરમિયાન તેણે બી62સ્ટુડિયોના બેનર હેઠળ ‘આર્ટિકલ-370’ અને ‘બારામુલા’ નામની હોરર-થ્રીલર ફિલ્મનું નિર્માણ કર્યું. આ જ સમયગાળામાં પ્રતીક ગાંધી અને યામી ગૌતમને લઈને ‘ધૂમધામ’ નામની ફિલ્મ પણ બનાવી જે સીધી જ ઓટીટી પ્લેટફોર્મ ‘નેટફ્લિકસ’ પર રજૂ થઈ હતી.
પ્રિયદર્શન સાથે સહાયક દિગ્દર્શક તરીકે તેણે ‘આક્રોશ’ અને ‘તેજ’ જેવી ફિલ્મો કરી હતી. આ બંને ફિલ્મના સંવાદો તેણે લખ્યા હતા.
2006માં આવેલી ‘કાબુલ એક્સ્પ્રેસ’ ફિલ્મમાંના ગીતકાર તરીકે તેને સફળતા મળી હતી. ત્યાર પછી 2007માં મ્યુઝિક્ આબ્લમ ‘પ્લે ઈટ લાઉડ’માં તેણે ગીતો લખ્યા. 2008માં આવેલી ‘હાલ-એ-દિલ’, 2009માં આવેલી ‘ડેડી કૂલ’ અને 2011માં આવેલી ‘ફીર’ના ગીતો પણ તેણે લખ્યા હતા.
‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યા પછી સ્ક્રીન - ફિલ્મફેર - ઝી સિને એવોર્ડ, આઈફા એવોર્ડ સહિતના બધાં જ એવોર્ડ તેણે મેળવ્યા હતા.
‘ધુરંધર’ ફિલ્મે રૂ. 1,300 કરોડ કરતાં વધુ કમાણી કરી છે અને ‘ધુરંધર-ટુ-ધ રિવેન્જ’ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ રેકોર્ડ નોંધાવ્યો છે. એ જોતાં આગામી બે-ત્રણ મહિના આદિત્ય ધર અને રણવીર સિંહ જ છવાયેલા રહેશે એમાં કોઈ જ શંકા નથી.