Mon May 25 2026

Logo

પિત્ઝા જ નહીં, વાઈન ઉત્પાદનમાં પણ ઈટલી બન્યું નંબર વનઃ ફ્રાન્સ અને અમેરિકાને આ રીતે પછાડ્યા

4 days ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોતાની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં છે. એમની ઈટલીની મુલાકાત જોરશોરથી ચર્ચામાં રહી છે. ઈટલી પોતાના પિત્ઝાના કારણે દુનિયાભરમાં નામ ધરાવે છે પણ પિત્ઝા સિવાય પણ બીજી એકવસ્તુ છે જેના કારણે ઈટાલી ચર્ચામાં રહે છે. આ વસ્તુ છે વાઈન. સામાન્ય રીતે ડ્રિંકલવર્સને વાઈન અંગે પૂછવામાં આવે તો સામાન્ય રીતે ફ્રાન્સનું નામ પહેલા ક્રમે લેતા હોય છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઈટાલીએ વાઈન પ્રોડક્શનમાં અમેરિકા અને ફ્રાંસને પાછળ મૂકી દીધા છે. 

સૌથી મોટો ઉત્પાદક દેશ
ઈટલી વાઈનનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. ઈટલીમાં વર્ષોથી દ્રાક્ષની ખેતી થાય છે, અહીંયા ખેડૂતો વર્ષોથી એવી દ્રાક્ષ પકવે છે જે ડાયરેક્ટ વાઈન બનાવવા માટે કામમાં આવે. ઈટાલના દરેક ખૂણામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દ્રાક્ષની ખેતી થાય છે.પહાડી વિસ્તાર, સમુદ્રની હવા, યોગ્ય જમીન અને ચોક્કસ મૌસમ દ્રાક્ષના ઉત્પાદનને માફક આવે છે. ઈટાલીના નાના પરિવારમાં પણ નાના ફાર્મથી લઈને મોટા ઉદ્યોગ સુધી દ્રાક્ષ માટે ખાસ જમીન ફાળવે છે અને ખેતી કરે છે. પરંપરા, પરિવારોની પસંદગીની સાથે આધુનિકતાએ કદમતાલ કરતા દ્રાક્ષની પ્રાથમિકતા વધી.ઈટાલીમાં દરવર્ષે સરેરાશ 45થી 55 મિલિયન હેક્ટોલીટર વાઈનનું ઉત્પાદન થાય છે. 

ગુણવત્તાયુક્ત દ્રાક્ષનો મુખ્યફાળો
આંતરરાષ્ટ્રીય કૃષિ અને વાઈન સંગઠનો રિપોર્ટ અનુસાર ઈટલીએ વર્ષ 2023માં આશરે 45 મિલિયન હેક્ટોલીટર વાઈનનું ઉત્પાદન કર્યું હતું. હવામાન સારૂ રહ્યું તો આ ઉત્પાદન 50 મિલિયન હેક્ટોલીટરની ઉપર પણ પહોંચી જાય છે. એક હેક્ટોલીટર બરોબર 100 લીટર થાય છે. ઈટલીનું હવામાન દ્રાક્ષ માટે અને ત્યાંની દ્રાક્ષ વાઈન માટે ખૂબ જ યોગ્ય તથા ગુણવત્તાયુક્ત છે. ગરમીના દિવસો હોય કે કડકડતી ઠંડી, દ્રાક્ષનો સ્વાદ ઉત્તમ રહે છે. ઈટાલીના ઉત્તરીય પ્રાંતમાં પહાડીપ્રદેશ છે, જ્યારે દક્ષિણ પ્રાંતમાં સમુદ્ર છે. આ ભૌગોલિક વિવિધતાના કારણે જુદી-જુદી પ્રકારની દ્રાક્ષની ખેતી થાય છે. નિષ્ણાંતો એવું માને છે કે, ઈટલીમાં 500થી વધારે દ્રાક્ષની જાત પ્રાપ્ય છે. 

વાઈન ઈન્ડસ્ટ્રી વિકસી
આ સંખ્યા દુનિયાના બાકી દેશ કરતા સૌથી વધારે છે. ઈટલી પહેલા ફ્રાન્સ લાંબા સમય સુધી વાઈનના ઉત્પાદનમાં એક નંબર પર રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઈટલીએ મબલખ ઉત્પાદન કરતા વાઈન ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી દીધો. ફ્રાન્સમાં અનેકવાર કડકડતી ઠંડી, કરા પડવા અને દુકાળને કારણે પાકને મોટું નુકસાન થતું, 
બીજી તરફ ઈટાલીએ કૃષિ ક્ષેત્રે જે ટેક્નોલોજી અપનાવી એનાથી દ્રાક્ષ ઉત્પાદનમાં ફાયદો થયો. સરકારે પણ ખેડૂતોને મદદ કરી અને દ્રાક્ષ ઉત્પાદન માટે વિશેષ સહાય પૂરી પાડી. આનાથી ઉત્પાદન સતત વધ્યું અને આ કારણે ફ્રાંસ પાછળ રહી ગયું. એક સમય એવો પણ હતો જ્યારે વાઈન ઉત્પાદનમાં અમેરિકાનો પણ ડંકો વાગતો. 

અમેરિકા પાછળ ધકેલાયો
ખાસ કરીને અમેરિકામાં કેલિફોર્નિયાની વાઈન સૌથી વધારે લોકપ્રિય રહી છે. કેલિફોર્નિયામાં આધુનિક મશીન તથા મોટા રોકાણકારોને કારણે ઉત્પાદન પણ સારૂ રહેતું. પણ અમેરિાકનું ઉત્પાદન હવે ઈટાલી અને ફ્રાન્સ કરતા પણ ઘટી ગયું છે. બીજી તરફ દ્રાક્ષની ખેતી કરવા પાછળ થતો ખર્ચો પણ ઘણો વધારે છે. આ કારણે અમેરિકા આ યાદીમાં ત્રીજા સ્થાને ધકેલાયો છે. હકીકત એ પણ છે કે, ઈટલીના અર્થતંત્રમાં વાઈન ઈન્ડસ્ટ્રીમાંથી થતી રેવન્યુનો આંકડો મોટો છે. લાખો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. ખેતી, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ, પ્રોસેસ, સેલિંગ, માર્કેટિંગ અને પ્રવાસન જેવા અનેક સેક્ટરમાં લોકોને રોજી મળે છે. 

અનેક દેશમાં નિકાસ
ઈટલીની વાઈન દુનિયાના અનેક એવા દેશમાં જાય છે, યુરોપ, અમેરિકા અને એશિયામાં ઈટલીની વાઈનની મોટી માગ રહેતી હોય છે. ભારતમાં ઈટાલિયન વાઈનનું માર્કેટ ધીમે-ધીમે વધી રહ્યું છે. ભારત પણ ઈટાલિની વાઈનને આયાત કરે છે. ઈટલીમાં એક ખાસ પ્રકારનું વાઈન ટુરિઝમ પણ ચાલે છે. ઈટલીના રોમમાં આવતા લોકો દ્રાક્ષના ખેતર જોવા જાય છે, પછી વાઈન બનવાની આખી પ્રોસેસને સમજે છે. ઈટલીની કિઆંતી, પ્રોસેકો અને બારોલો જેવી વાઈન સૌથી વધારે લોકપ્રિય છે. અલગ અલગ ક્ષેત્રની વાઈનનો ટેસ્ટ પણ અલગ હોય છે. ઈટલીમાં વાઈન કોઈ ઓડ કલ્ચર નથી પણ ફૂડ-બ્રેવરેજીસ અને કલ્ચરનો એક ભાગ છે. ભોજન સાથે વાઈન પીવાની પરંપરા છે. 

વાઈનના જાણીતા ઉત્પાદક દેશ
દુનિયાના ટોપ વાઈન પ્રોડ્કશન રાષ્ટ્રની યાદીમાં ઈટલી, સ્પેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, સાઉથ આફ્રિકા, પોર્ટુગલ આવે છે. આ પાછળની કારણ આ તમામ દેશમાં દ્રાક્ષનું મબલખ ઉત્પાદન છે. ઈટલીની સાથોસાથ સ્પેન વાઈન પ્રોડ્ક્શનમાં અવ્વલ છે. સ્પેનની રેડ વાઈન દુનિયાભરમાં જાણીતી છે. સમગ્ર યુરોપમાં તેની સારી એવી માગ રહે છે. ચિલી અને ઓસ્ટ્રેલિયામાં પણ વાઈનનું ઉત્પાદન થઈ રહ્યું છે અને વાઈનથી એ દેશની ઈકોનોમીને વેગ મળી રહ્યો છે. ,