Mon May 25 2026

Logo

ફિલ્મનામાઃ ધ ગોન ગેમ: રમાઈ ગઈ એક રમત...

2 months ago
Author: Mumbai Samachar Team
Article Image

નરેશ શાહ

માર્ચ, 2020.
યસ, ચીનથી વિસ્તરેલાં કોરોના વાયરસે ભારતમાં પગપેસારાની શરૂઆત કરી દીધી છે. લોકડાઉને આખા ભારતને સ્ટેચ્યૂ મોડ પર મૂકી દીધું છે. દરેક ધડકન ભય તેમજ ખોફમાં ધબકી રહી છે. વાયરસની ચપેટમાં મુંબઈ, દિલ્હી જેવાં મોટાં શહેરો તેજગતિથી આગળ રહ્યાં છે .  પોતાના ઘર, વતન, સ્ટેટ કે દેશ છોડીને બહાર ગયેલાં યા રહી ગયેલાં લોકોની ‘વાપસી’ની વણજાર ચાલુ થઈ છે. પરિવારજનો પણ બહારથી આવનારા સ્વજન કોરેન્ટાઈન થઈ જાય તેવું ઈચ્છી રહ્યાં છે ત્યારે...

બેંગકોકથી મુંબઈ પોતાના ઘરે પાછો ફરેલો બેન્કર સાહિલ ગુજરાલ કોરોનાની ચપેટમાં આવી ગયો હોય તેમ પોતાના રૂમમાં ભરાઈ ગયો છે. બહાર તેની સેલિબ્રિટી વાઈફ સુહાની ગુજરાલ પરેશાન છે. સાહિલના સુખી સંપન્ન પિતા રાજીવ ગુજરાલ અને માતા તેમજ દીકરી અમારા ગુજરાલ પર સતત ચિંતિત છે. બેશક, બધા ફોન અને વીડિયો કોલથી એકબીજાના સંપર્કમાં છે,  પરંતુ સાહિલનું બંધ કમરામાંથી સતત ખાસવું તેમજ બહાર ન આવવાની જીદ સુહાનીને વિશેષ અકળાવી રહી છે. 

આખરે સાહિલ મને-કમને કોરોનાનો ટેસ્ટ કરાવવા સહમત થાય છે. તે કોરોના ટેસ્ટ કરાવવા નીકળે છે, પણ પાછો ફરતો નથી. પત્ની સુહાની દિલ્હી રહેતાં સાહિલના માતા-પિતાને ખબર આપે છે કે સાહિલ કોરોના પોઝિટીવ હતો અને હોસ્પિટલમાં જ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જોકે હોસ્પિટલમાં ક્યાંય સાહિલ ગુજરાલના કોરોના પોઝિટીવ થવાની કે એડમિટ થવાની કે અવસાન થયાની નોંધ મળતી નથી એટલે આવું લાગી રહ્યું છે કે સાહિલનું મૃત્યુ કોરોનાથી નથી થયું પણ તેની હત્યા કરવામાં આવી છે અને...

પતિનું ષડ્યંત્ર રચીને હત્યા કરવાના ગુનામાં પત્ની સુહાનીની ધરપકડ થાય છે. ‘વૂટ સિલકેટ’ પર સ્ટ્રીમ થયેલી ‘ધ ગોન ગેમ’ વેબ સિરીઝની પ્રથમ સિઝનની કથા છે. કોરોનાની મહામારી ઉપર ‘ધ ગોન ગેમ’ને બાદ કરો તો સિનેમા, ટીવી કે વેબ સિરીઝના જમા ખાતામાં ખાસ કશું નોંધનીય બન્યું નથી. 

‘ધ ગોન ગેમ’ને તેના માટે દશમાંથી આઠ માર્ક તો આપવા પડે, કારણ કે તેમાં કોરોનાની મહામારીને શિફતપૂર્વક વણીને એક રોમાંચક સિરીઝ કંડારવામાં આવી છે અને જુલાઈ-2022માં જ ‘ધ ગોન ગેમ’ની બીજી સિઝન પણ આવી છે. એ પણ તમને કોરોનાના માઠાં સમયની યાદ દેવડાવે છે કારણ કે... બીજી સિઝનની વાર્તાની કહાણીનો આરંભ પણ (પહેલી સિઝનના) અંતથી જ થાય છે. 

સાહિલ (અર્જુન માથુર)ની હત્યાના આરોપમાં પકડાયેલી તેની પત્ની સુહાની (શ્રિયા પિલગાંવકર)ને આઠ મહિના પછી જામીન મળે છે અને બહાર નીકળીને એ મીડિયા સમક્ષ એલાન કરે છે કે, ‘હું ત્રણ દિવસમાં સાબિત કરી દઈશ કે સાહિલનું મૃત્યુ નથી થયું પણ એ જીવતો જ છે!’

પુત્રવધૂના આવા સ્ટેટમેન્ટથી અકળાયેલાં સાહિલ ગુજરાલના માતા (રુખસાર), પિતા રાજીવ (સંજય કપૂર) અને પુત્રી અમારા ગુજરાલ (શ્ર્વેતા ત્રિપાઠી શર્મા) તાબડતોબ દિલ્હીથી ઊડીને મુંબઈ આવે છે. અમારાને હજુ ભાભી માટે સોફટ કોર્નર છે અને તેને લાગે છે કે, ભાભી સુહાની નિર્દોષ છે... ગુજરાલ પરિવાર અને સુહાની વચ્ચે એક મીટિંગ થાય છે. જોકે ઉશ્કેરાયેલાં સસરા રાજીવ ગુજરાલ પુત્રવધૂનું ગળું દબાવી દેવાની કોશિશ કરે છે, પણ માતા-પુત્રી તેમને રોકીને ખેંચી જાય છે પણ...

એ પછી સુહાનીનું મર્ડર થઈ જાય છે. શંકાના દાયરામાં ગુજરાલ પરિવાર હોવાથી તેમને ‘હોટલ અરેસ્ટ’ કરવામાં આવે છે. બીજી તરફ માત્ર આપણને (એટલે દર્શકોને) ખબર છે કે બિહાર પહોંચી ગયેલો સાહિલ બોર્ડર ક્રોસ કરીને નેપાળમાં ઘૂસવાની પેરવી કરી રહ્યો છે. ‘ધ ગોન ગેમ’ વેબ સિરીઝની બંને સિઝન નાવિન્ય પીરસતું થ્રિલર છે. 

પ્રથમ સિઝન શરૂ થાય ત્યારે એવું લાગે કે આ કોઈ કોરોના મહામારી પરની ડોક્યુમેન્ટરી હશે પણ માણસનું શૈતાન દિમાગ કેવી રીતે તરકીબ કરીને પરિસ્થિતિનો પોતાના પક્ષમાં ઉપયોગ કરી જાણે છે એ અહેસાસ માટે કોરોના મહામારીનાં દૃશ્યો દેખાડવા અનિવાર્ય છે. બેન્કર સાહિલ રાજપાલ પણ યુનિવર્સલ મહામારીનો પોતાની છટકબારી માટે ઉપયોગ કરે છે એ વાતને ડિરેકટર અભિષેક સેનગુપ્તા અને નિખિલ ભટ્ટે સરસ રીતે કંડારી છે. રાધિકા આનંદ, નિખિલ ભટ્ટ, આયેશા સૈયદ, મૌતિક ટોલિયાએ વાર્તાને ગૂંથી છે પરંતુ એ સ્પષ્ટ થતું નથી કે નેપાળ ભાગી જવાથી સાહિલ રાજપાલને શો ફાયદો થવાનો હતો.

હા, એટલું ખરું કે કોવિડની મહામારીના બેકડ્રોપ પર બનેલી ‘ધ ગોન ગેમ’ એક દિલચશ્પ વેબસિરીઝ તો અવશ્ય છે જ. તમને ટિપિકલ ટાહ્યલાં વેડા ગમતાં હોય તો વાત જુદી છે.

અને છેલ્લે, અહીં વાચકોનું ખાસ ધ્યાન દોરવાનું કે આ ‘ધ ગોન ગેમ’ વેબસિરીઝ કોરોના પેન્ડેમિક અને લાંબાં લોકઆઉટ દરમિયાન જ શૂટ થઈ છે. જ્યારે લોકઆઉટ દરમિયાન અમુક સમય માટે લોકોને ઘર બહાર જવાની મર્યાદિત સમયની  છૂટ રહેતી એ વખતનાં બહારનાં અમુક જ દ્રશ્યોના અપવાદ સિવાય લગભગ આખી સિરીઝ માટે એકટર્સ પોતાના ઘરેથી મોબાઇલ કે વેબ કેમ યા ઝૂમથી જ પોતાના શોટ શૂટ કરીને ઇન્ટરનેટથી એડિટિંગ માટે મોકલતાં હતા. 

કેમેરામેન પહેલેથી વીડિયો ફોનથી લાઈટિંગ, એન્ગલ, બેકગ્રાઉન્ડ ચેક કરી લેતાં. ડિરેક્ટર પણ ઓનલાઇન ડિરેકશન આપીને ઍક્ટર પાસે એક્ટિંગ કરાવતા...! .રિયલ સિચ્યુએશન અને પોતપોતાના ઘરમાં શૂટ થયેલી સિરીઝ જોતાં એ મનહૂસ દિવસોની છટપટાહટ પણ આપણે અનુભવી શકીએ છીએ તે આ ‘ધ ગોન ગેમ’ સિરીઝની વિશેષતા રહી છે.  આમ  આ રીતે  ‘ધ ગોન ગેમ’ સિરીઝ અપનેઆપમાં એક બેમિસાલ ઉદાહરણ તરીકે અલગ તરી આવી છે!