નિધિ ભટ્ટ
બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હંસિકા મોટવાનીના ફેન્સને આંચકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. લગ્નનાં ત્રણ વર્ષ બાદ હંસિકા મોટવાની અને તેના પતિ સોહેલ કથુરિયાએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. 11મી માર્ચ, 2026ના રોજ સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર આ કપલના ઓફિશિયલ ડિવોર્સને મંજૂરી આપવામાં આવી છે. હંસિકા અને સોહેલના ડિવોર્સ જ નહીં પરંતુ લગ્ન પણ ચર્ચાનું કારણ બન્યા હતા. ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ...
બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના લગ્ન ડિસેમ્બર 2022માં જયપુરના મુંડોતા ફોર્ટમાં અત્યંત શાહી અંદાજમાં થયા હતા, જેની ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલી હતી. સોહેલ કથુરિયા એ હંસિકા મોટવાનીની બેસ્ટ ફ્રેન્ડ રિન્કીનો હસબન્ડ હતો. પોતાની જ બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કરવા માટે નેટિઝન્સે હંસિકાને ટ્રોલ કરી હતી.
છેલ્લાં કેટલાક મહિનાઓથી હંસિકા અને સોહેલ વચ્ચે અણબનાવ હોવાની અટકળો સતત ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી હતી. આ સિવાય હંસિકાએ સોશ્યલ મીડિયા પરથી સોહેલ સાથેના ફોટો અને વીડિયો પણ ડિલિટ કરી દીધા હતા. હંસિકાના આ પગલાંને કારણે ફેન્સને દાળમાં કંઈક કાળું હોવાની શંકા આવી હતી, પરંતુ આજે તેમના ડિવોર્સની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાદ હવે આખરે આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર હંસિકા અને સોહેલ વચ્ચે લાંબા સમયથી ખટપટ ચાલી રહી હતી અને આખરે બંને જણે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી છૂટા પડવાનો નિર્ણય લેતા ડિવોર્સ ફાઈલ કર્યા હતા. એટલું જ નહીં પણ હંસિકાએ કોર્ટમાં પોતાની પ્રાઈવસી જાળવી રાખવાની અપીલ પણ કરી છે અને હજુ સુધી આ મામલે કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાનીના લગ્ન શરૂઆતથી જ વિવાદમાં હતા, કારણ કે સોહેલ કથુરિયા હંસિકાની જ બેસ્ટ ફ્રેન્ડ રિન્કીનો એક્સ હસબન્ડ હતો. આ વાતને કારણે સોશિયલ મીડિયા પર હંસિકાને ખાસી એવી ટ્રોલ પણ કરવામાં આવી હતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના પર `લવ શાદી ડ્રામા' નામની એક ડોક્યુમેન્ટરી પણ બની હતી.
હંસિકાના વકીલે જણાવ્યું કે લગ્નનાં થોડા દિવસો બાદ બન્નેને ધીરે-ધીરે એહસાસ થવા માંડ્યો કે તેમનો સ્વભાવ, વિચારધારા અને લાઇફસ્ટાઇલ અલગ છે. એનું પરિણામ એ આવ્યું કે બન્ને વચ્ચે નાની-નાની વાતોમાં ઝઘડા અને વિવાદ થવા લાગ્યા. એથી બન્નેએ એક છત નીચે સાથે ન રહેવાનું નક્કી કરતાં પરસ્પર સમજુતિથી પોતાના માર્ગ જુદા કરી દીધાં છે.