અરવિંદ વેકરિયા
મુળુભાએ હૈયાધારણ આપી તમને આખી સ્ક્રિપ્ટ લખીને આપીશ અને પછી જ બરોડા માટે ‘ઉચાળા’ ભરીશ.
આટલું કહી એ મરક-મરક હસ્યાં પણ ખરાં અને હું ઘરે આવી ત્રણ કલાકારની વરણીનાં વિચારમાં ગરક થઈ ગયો. મને બસ, હવે મહેન્દ્ર બોહરા અને કલાકારોના સતત વિચાર આવતા રહ્યા. હૃદયનું પર્યાવરણ ત્યાં જ ખીલે જ્યાં મનની માટી ભીંજાવા તૈયાર હોય.
એ સાંજે રાજેન્દ્ર શુકલને પણ કહી દીધું કે ત્રણ પાત્રનું એક નાટક મુળુભાને લખવાનું સોંપ્યું છે જેની આખી વાત એને કરી દીધી. એણે મને શુભકામના પણ આપી. લેખક હોવાને કારણે એણે શંકા વ્યક્ત કરી કે ‘માત્ર ત્રણ પાત્રનો તખ્તા પર પ્રેક્ષકો કદાચ ન સ્વીકારે.
આઈ.એન.ટી. જેવી માતબર સંસ્થાએ તો બે-પાત્રી નાટકો બનાવ્યા છે, પણ સંસ્થાના પીઠબળ સાથે અવ્વલ દરજ્જાનાં દિગ્દર્શકોનો સંગ હતો. આપણે નાટક કરીએ તો પ્રેક્ષકોને ખૂટતું જ લાગશે એવું મારા અનુભવે કહું છું.
આજ કાલ પ્રેક્ષકોની સહન કરવાની એક મર્યાદા હોય છે, અમુક સમય પર નવું પાત્ર એન્ટ્રી કરે એવી ઇચ્છા બળવત્તર બનતી હોય છે. પછી અમુક સમય પછી ‘વર્બોસીટી’ લાગે જ લાગે જયારે બે પાત્ર વચ્ચે સંવાદ મંડાય. એક કામ કર, એક વખત સ્ક્રિપ્ટ હાથમાં આવી જવા દે, મુળુભા સારા લેખક છે એમાં બે-મત નથી. થોડું ઉતાવળે કામ થયું છે તો આપણે બંને મળી પઠન કરી જોઈ લઈશું અને જો એવું કંટાળાજનક લાગ્યું તો મુળુભા સાથે વાત કરી લઈશું, બરાબર રહ્યું તો વાંધો નહિ.... ’
મેં મિત્ર તરીકે આભાર માની એની વાત સ્વીકારી લીધી. છતાં મને અનુભવે લાગ્યું કે માણસ સમજે છે ઓછું અને સમજાવે છે વધારે. જોકે સ્ક્રિપ્ટ સાથે મળીએ પછી ધારણા બાંધી શકાય.
દર એકાંતરે હું મુળુભાને ફોન કરતો રહ્યો. તે મને એમના લેખનનો પ્રોસેસ કહેતા રહ્યા. હાલ હમણાં ઘણાં સમયથી બે-અંકી નાટકોનો દોર ચાલે છે પણ એ વખતે ત્રિઅંકી નાટકોનું ચલણ હતું. મુળુભાએ સમાચાર આપ્યાં કે બે-અંક તૈયાર થઈ ગયા છે, ત્રીજો અંક અને ક્લાયમેક્સ જરા સમય માગી લેશે. એમણે બરોડા જવાનું બે દિવસ લંબાવી દીધું અને મને બીજે દિવસે એમના ઘરે બોલાવ્યો. બે અંક મને આપ્યાં. રાજેન્દ્રએ કહેલા સીમિત પાત્ર અને પ્રેક્ષકોના મળતાં નબળા પ્રતિસાદની પણ વાત કરી. મુળુભા જેમનું નામ, મને કહે, ‘એવું લાગે તો કોઈની પાસે જરૂર લખાવી લેજો. હું તો તમને ત્રીજો અંક આપી બરોડા શૂટિંગમાં ચાલ્યો જઈશ. તમને ડિરેક્ટર તરીકે જે લાગે એ ફેરફાર કરી શકો કે કરાવી પણ શકો મને જરા પણ ખોટું નહિ લાગે કે કોઈ અહમ આડો નહિ આવે...’
માણસે પ્રેકટિકલ તો બનવું જ પડે... ‘આ સ્ક્રિપ્ટ પાછળ બરોડા-હાલોલ સ્ટુડિયોનો નંબર લખ્યો છે. ક્યાંય અટકો તો એસ.ટી.ડી. કરી દેજો. કદાચ એક બે વાર કરવો પડે. મને મેસેજ મળતા હું તમારે ઘરે વળતો ફોન કરી દઈશ. હું બધી વાત મહેન્દ્ર બોહરાને કરી દઈશ.’
મને એમના કહેવાથી હિંમત મળી. એમની જીભમાં અહમની જગ્યાએ નિષ્ઠા હતી. જીભ તો જન્મનાં પહેલા દિવસથી જ મળી જાય છે પણ એનાં ઉપયોગની કળા મુળુભાએ અનુભવે શીખી લીધી હતી, જેથી સામેની વ્યક્તિને વધુ કઈ પૂછવાની હિંમત થઈ શકે.
બીજા દિવસે મને ફરી બોલાવ્યો. સાંજના જઈ મેં ત્રીજો અંક પણ લઇ લીધો. બે અંક વાંચ્યા પછી મને રાજેન્દ્રની વાતમાં તથ્ય દેખાયું. હવે ત્રીજો અંક પણ હાથમાં આવી ગયો હતો. રાજેન્દ્ર શુકલ સામે વાંચી નક્કી કરી વિચારોની આપ-લે કરી લઈશું એવું નક્કી કરી લીધું.
મુળુભાએ મને શુભેચ્છા પણ આપી હતી અને મારી સામે જ એમણે મહેન્દ્ર બોહરાને ફોન પણ કરેલો. અહમ વિનાના અને સ્પષ્ટ છતાં મૃદુ અવાજે વાત કરી જાણે મને સુખી કરી દીધો હતો. ક્યારેય ધાર્યું પણ ન હોય, માંડ્યું પણ ન હોય અને વિચાર્યું પણ ન હોય અને મળી જાય એનું નામ સુખ જે મુળુભાએ સાબિત કરી બતાવ્યું.
મારું સપનું હવે મહેન્દ્ર બોહારાનું નાટક ‘હીટ’ જાય એ જ હતું. અંતે તો એ પ્રેક્ષકો જ નક્કી કરવાનાં. સપના અપલોડ થઈ જાય છે, પણ ડાઉનલોડ કરવામાં સમય નીકળી જાય છે. ખેર ! મુળુભાએ એમનું પ્રોમિસ પાળ્યું. આખું નાટક મને સુપ્રત કરી બરોડા રવાના થયા, સંબંધ બરાબર નિભાવ્યો. બાકી હવે સંબંધો પણ મલ્ટીનેશનલ કંપનીની નોકરી જેવા થઈ ગયા છે, સારી ઓફર મળતા જ બદલાય જતાં હોય છે.
હું બે દિવસ પછી સ્ક્રિપ્ટ સાથે રાજેન્દ્રને મળ્યો. આખા નાટકનું પઠન કર્યું. મુળુભાએ અનુભવને આધારે સરસ લખ્યું હતું, પણ રાજેન્દ્રએ કહ્યું, ‘પ્રેક્ષકો વર્બોસીટી ફિલ કરશે’ રાજેન્દ્ર કોલેજકાળથી બોલવામાં કોઈની શેહ-શરમ ન રાખે જયારે અહીં તો સામે હું હતો. આગળ કહે, ‘મુળુભાએ લખ્યું પણ એમણે લોકોનો પણ વિચાર કરવાનો હોય.’ મેં કહ્યું કે, ‘દોસ્ત, બીજાની ભૂલો પર પીએચ.ડી. કરવા કરતા પોતાની માનસિકતા પર ગ્રેજયુએશન કરવું સારું. આમ પણ મુળુભાએ બધી છૂટ આપી જ છે કે કોઈની પણ પાસે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરાવવા હોય તો બિન્દાસ્ત કરાવી શકો છો એમને ખોટું નહિ લાગે.’
‘મને લાગે છે કે બે પાત્ર તો વધુ ઉમેરવા જ જોઇશે, જેથી માત્ર બે પાત્ર વચ્ચે ચાલતા એકધારા સંવાદો પ્રેક્ષકોને બોર ન કરે.’
મેં કહ્યું, ‘તું સ્ક્રિપ્ટ લઇ જા અને બે-ત્રણ દિવસમાં પાત્રો ઉમેરી દે પછી પાછા પઠન કરીને નક્કી કરીએ.’
રાજેન્દ્ર મને કહે, ‘મુળુભાએ નાટક તો સરસ લખ્યું છે, પણ બે પાત્ર વચ્ચે વધતાં સંવાદો વચ્ચે ‘બ્રેક’ લગાવવા આપણે બે પાત્રો ઉમેરીએ.’
મેં કહ્યું, ‘તે આટલાં નાટકો લખ્યાં છે, તને લેખનનો વધુ અનુભવ છે. યોગ્ય લાગે એ કરવાની છૂટ છે તને. બસ., નિર્માતા છટકે એ પહેલા આપી દે એટલે કામ શરૂ...’
એક યુવક ક્ધયા જોવા ગયો
યુવક: તમને અંગ્રેજી આવડે છે?
યુવતી: (હસતા) હાસ્તો, આવડે છે...
યુવક: તો કહો, ઈંઝ ક્યારે વપરાય?
યુવતી: મકાન બનાવીએ ત્યારે...